Showing posts with label વિચાર. Show all posts
Showing posts with label વિચાર. Show all posts

Friday, August 22, 2008

મારું અસ્તિત્વ


' હાર્ટ' ના સર્વરમાં જાણીતો 'સ્વાર્થ' નામે વાયરસ,
સંવેદનાના સંદેશા 'કરપ્ટ્' મળે,

આપણે 'વાઇડ સોસિઅલ નેટ્વર્ક' માં સફળ,
આપણે 'હોમ' નેટવર્કમાં નિષ્ફળ,

આપણે ૬ યુ એસ બી પોર્ટસવાળા, 'મલ્ટી થ્રેડીંગ' સંબંધોમાં માનનારા,
કોમન પ્રોટોકોલ - એ એસ ટી પી ( આર્ટિફિસીઅલ સ્માઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ) ના સહારે જીવનારા,
રોજ રોજ 'કોન્ફ્લિક્ટ્' થાય છે - 'પ્રોટોકોલ્સ્' 'પોર્ટસ', 'વિચારો' - બધું જ ...

હું 'પ્રિન્ટર' , પ્રિન્ટ કરું બીજાનાં વિચારો- મારા 'બ્લેન્ક પેજ' બ્રેઇન ઉપર,
હું 'સ્કેનર' 'સ્કેન' કરું વિશ્વાસને, હું 'ક્રેકર'..'ક્રેક' કરું વિશ્વાસને- - -

'અપડેટ' કરું, 'રિફ્રેશ' કરું - રોજ રોજ મારી સંસ્કૃતિને,
સ્વાગત કરું 'ડિફોલ્ટ ડેસ્ક્ટોપ'થી - 'શિફ્ટ + ડીલીટ' કરું જૂના સંબંધોને .......

હું 'નેટવર્ક એન્જિનિયર' - મારું અસ્તિત્વ - મારું કોમ્પ્યુટર ,
યુ નો ? હું વાપરું છું - 'વિન્ડોસ એસ એલ' - સેલ્ફિશ લાઇફ !
(Feb 2002)

Friday, November 24, 2006

આજે એક વર્ષ પુરું થયું...

તમે કોઇ દિવસ એમ નથી પૂછ્યું ,
કે તું ક્યાં કામ કરે છે? મજા આવે છે?
બસ મારા ખાવાનાની અને તબિયતની જ તમને ચિંતા રહે છે...
અને મારું ભણવાનું કેમ ચાલે છે?

આજે તમે મને ચાર-પાંચ લાઇનમાં
e mail કરતાં થયા છો,
મારી જોડે chat કરતાં થયા છો,
વેબ કેમેરામાં તમે મને અડક્યો છે !

બા પણ હવે ઘણું બધું જાણતી થઇ ગઇ છે, નહીં?
વેબ-કેમેરાની નહીં , પણ તમે મારી સામે બેઠાં છો.

દિવસો જતા રહ્યાં એક પછી એક,
તમારા હાથે લખેલા માંડ બે પત્રો..
હવે જૂના થતાં જાય છે..

મારા In Box માં ભેગા કરેલાં તમારાં mails ,
વારેઘડીએ વાંચીને ખુશ થાઉં છું,
તમારા English માં લખેલા ગુજરાતી e mail
મને ગમે છે, બહુ જ ગમે છે !

મમ્મીની લાગણીઓ , વેબ કેમેરાને એ અડે છે
ત્યારે અનુભવું છું,
પપ્પાની ચિંતાની રેખાઓ મારા computer screen
ઉપર વધારે સ્પષ્ટ દેખાઇ રહી છે,
બાનાં વધતાં નંબર, મને ધ્યાનથી જોવાનાં પ્રયત્નો....
બધું જ તો અનુભવું છું !

Internet Connection આજે વારેઘડીએ તુટી જાય છે,
પપ્પા તમે કાલે આવજો.... કહીને હું જતો રહું છું..
મને ખબર છે, તમે આખી રાત અને કાલનો
આખો દિવસ , મને મળવાના વિચારે બેચેન રહ્યા હશો.

સાંજે ઓફિસેથી વહેલા આવીને કર્યું ને..
ખબર પડી.. hotmail ની msn service બંધ છે.
એક કલાકે તમે Log-In થયા હશો,
એ મહેનત, એ ધીરજ , તમને આ ઉંમરે,
બહું આકરી લાગતી હશે...

મમ્મી, હું જોઇ શકું છું ..
મારા "Offline - Status" સામે કેટલીયવાર
તું તાકીને બેઠી હોઇશ, અમુકવાર...
મારી જોડે કરેલી વાતો, મારો ચહેરો..
બધું જ તો સ્પષ્ટ દેખાતું હશે..

તને થશે આ કાંઇ નવું નથી,
હું Tution થી કે College થી મોડો આવતો 'તો
ત્યારે તું આજ રીતે Balcony માં ઊભી રાહ જોતી'તી ..
કશું જ તો નથી બદલાયું..!આજે પણ રાહ જોવડાવું છું ! હેં...ને?

તું ભલે મારા ફકરાના જવાબમાં,
ફક્ત બે શબ્દો Type કરે...
હું સમજી જાઉં છું... તે શું લખ્યું હશે?

હાસ્તો... એ જ કે ...
' ખાવા-પીવામાં ધ્યાન રાખજે... ! '
હું હવે બધું જ તો સમજું છું ,
તેં જ , વગર બોલે , મને સમજવાની આદત પાડી દીધી છે !

હું Bore થાઉં છું, ગુસ્સે થાઉં છું , તમારા ધીમા Reply થી,
જુદા જુદા Icon ફેંકુ છું , પણ તમે હજી સુધી ..
એક જ Icon જવાબમાં આપ્યું છે , ' Love ' નું !


મારા માઇક પરનાં અવાજને સાંભળવા,
Speakersનાં Volume full કરી દો છો, હું'ય...
એક-એક વાક્યે, તમને અજીબ - અજીબ સંભળાતાં
અવાજોમાંથી અર્થ કાઢવાનાં કોયડાઓ આપે રાખું છું.....
પણ તો'ય તમારા બંને નો ,
સમજવાનો અર્થ એક જ હોય છે.. !

તમે ભગવાનની જેમ, Hotmail Account પાસે કદાચ પ્રાર્થના કરતા હશો...
કે તમે બે કલાકે માંડ કરેલા ચાર લાઇનનાં જવાબમાં ,
હું શું લખીશ ? આવું લખીશ? કેવું લખીશ?!
એની ચર્ચા થતી સાંભળી શકું છું !

અને હા, તમારાં બે વચ્ચે,
મૂઢ મારી ગયેલો બા નો ચહેરો..હું સ્પષ્ટ જોઇ શકું છું !

મારા Reply દિવસે - દિવસે નાના થતાં જાય છે,
કેમ છો? ..મઝામાં છું ! ...હવે એનાથી આગળ નથી સૂઝતું...નથી લખાતું...

"Take Care"નો ધૂંધળો શબ્દ Type કરીને,
હું 'Send' ના button ઉપર,
એક નિરસ 'Click' પડતું મૂકું છું...

આજે મારા In- Boxમાં એક mail આવ્યો,
અચાનક મને ખબર પડી, આજે એક વર્ષ પુરું થયું મને India છોડે !
એ પણ તમારો જ'સ્તો હતો..

હા, મમ્મી-પપ્પા , ખરેખર લાગે છે,
મને એક વર્ષ પુરું થયું India છોડે.. !

Tuesday, November 21, 2006

આમ જોઈએ તો વાત બહુ સામાન્ય હતી..

મેં તેમને વાંચવા આપેલી ફાટેલી બૂક
સાંધી અને રંગીન કવર ચઢાવી મને પાછી આપી.
આમ જોઈએ તો...

સૂકાયેલા ઝાડના ઠૂંઠાની ઉપર ચઢાવેલી વેલને
આજે ફૂલ આવ્યાં હતાં.
આમ જોઇએ તો ...

મારા ફાટેલા બૂટનાં તળિયામાંથી આવતી હવા
મને ઠંડક આપતી હતી.
આમ જોઈએ તો..

એમણે આજે પંજાબી ડ્રેસ પહેર્યો હતો,પણ...દુપટ્ટો ન હતો,
હું આખો દિવસ બેચેન રહ્યો.
આમ જોઈએ તો...

મારા રુમમાંના 'હનુમાન'ના કેલેન્ડરની સામે
'મધુબાલા'નું પોસ્ટર હતું.
આમ જોઈએ તો...

રાત્રે ચૂલામાંનાં અર્ધબળેલાં લાકડાં પાણી નાંખી બુઝાવી દીધાં હતાં,
તે સવારે માત્ર બે-ત્રણ ફૂંકથી પાછાં સળગી ઊઠ્યાં.
આમ જોઈએ તો ...

'ઍક્વેરિયમ'માં પણ માછલીઓ જોડે
રમકડાંનો માછીમાર હતો.
આમ જોઈએ તો વાત બહું સામાન્ય હતી