Friday, June 22, 2007

આવજે.. બા..હું જાઉં છું....

બા..મોટર હોમ ડ્રાઈવિંગ લેશન,ગોલ્ડ કોસ્ટ,ઓસ્ટ્રેલિયા,૨૦૦૬

બા..છાપું વાંચતા..સિડની, ઓસ્ટ્રેલિયા,૨૦૦૬

કેસર ડાર્લિગ,"સ્ટાઈલ બા" સિડની, ઓસ્ટ્રેલિયા,૨૦૦૬



રાહુલ,બા અને હું..અમે કોલેજમાં હતા ત્યારે..અમદાવાદ,૧૯૯૯

મારી બા અત્યારે ૮૬ વર્ષની છે, ગયા વર્ષે તે ઓસ્ટ્રેલિયા આવી ત્યારે પણ નવું જાણવાની,જોવાની અને માણવાની ઉત્સુક્તા હજી પણ એટલી અકબંધ છે, અમે નાના હતા ત્યારથી અત્યારસુધી અમારી સંભાળ લીધી છે અને હજી પણ લે છે,ભલે અમે ત્રણેય અલગ અલગ દેશમાં હોઈએ..!

ક્યાંય બહાર જાય તો 'રોડ ક્રોસ' કરતાં સંભાળજે,
નહીં તો કોઇને સાથે લઈને જજે, એકલી ના જઈશ,
દેરાસરના પગથિયાં ઉતરતાં સંભાળજે,
અને હા..લાકડી અને શાલ લેવાનું ભૂલી ના જતી પાછી..

પાછાં આવતાં 'ફ્રુટ'કે શાક ના ઊંચકાય તો,કાંઈ નહીં,
મમ્મીને ઓફિસે ફોન કરી દેજે,ઓફિસેથી પાછા આવતાં લેતી આવશે..
અને 'વોશિંગ મશીન'માં કપડાં નાખીને,પેલું 'બટન' ૨૦ ઉપર મૂકી દેજે અને..
કપડાં એક-એક કરીને બહાર કાઢજે કાં તો,'રમેશ'ને કહેજે,
નહીંતર પાછું પેટમાં દુઃખશે,અને સાંજે પપ્પા આવીને બોલશે !
'રમેશ' ના આવે તો, વાસણો ભલે પડ્યાં..પછીથી થશે.

સાંભળ, જમ્યા પછી બપોરે ગેસની 'ધોળી' અને
'પેશર'ની 'પીળી' ગોળી લેવાનું ભૂલતી નહીં,
અને સૂતી વખતે બપોરે 'ઈલેક્ટ્રીક કોથળી'થી 'શેક' કરજે..!
તને ખબર છે ને આજે બપોરે 'ટી વી' ઉપર,
જૈન 'ધરમ' નો 'પોગ્રામ' આવવાનો છે?જોવાનું ભૂલતી નહીં,
અને રાત્રે દેરાસરથી વ્હેલી આવી જજે,
તારી પેલી 'સિરિયલ' 'સાંસ ભી કભી બહુથી' આવવાની છે !

જો તારે ગુજરાતી 'સિરિયલ' જોવી હોય તો,
'રિમોટ્'નું નીચેનું 'બટન' છે એ દબાવજે,અને પાછો તારે 'વોલુમ' મોટો જોઈશે..
તો તું તેમાં ડાબી બાજુનું બટન દબાવજે ...હ..ને?
બપોરે પપ્પા ફોન કરશે ટપાલ માટે,
અને મમ્મી 'રમેશ' આવ્યો છે કે નહીં એના માટે તો,સાંજનું જમવાનું પણ પૂછી લે જે..મમ્મીને..

કાંઈ પણ જરુર હોય તો,ઉપરવાળા કાકીના ફ્લેટનાં 'બેલ'ની 'ચાંપ' દબાવજે.
ફ્લેટની જાળીની અંદરથી 'આંકડી' પાડીને રાખજે,કોઈ જાણીતું હોય તો જ ઉઘાડજે..

અને તું 'ચોકઠું' કેમ કાઢી નાખે છે વારે ઘડીએ?
આખો દિવસ પહેરવાની ટેવ પાડ..
હું પછી આવીને પગે 'મુડ' (moov)લગાડી આપીશ
અને પેલું 'રાહુલ'વાળું 'અમેરિકા'નું ક્રિમ પણ લગાડતી રહેજે.

મને પછી ડબ્બામાંથી તેલ કાઢવાનું અને
ઘંટીએથી લોટ લાવવાનું યાદ દેવડાવજે..
કાલે રાત્રે તેં આઈસ્ક્રિમ ન્હોતો ખાધો..
ફ્રિજરમાં છે..બપોરે ઉઠીને ખાઈ લેજે..મસ્ત છે !

કોઈનો ફોન આવે તો નામ-નંબર ખાસ લખી લેજે,
અને અંગ્રેજીમાં બોલે'તો ગુજરાતીમાં બોલવાનું કહેજે..
ચાલ તો ..હું જાઉં છું..
સાંજે દાળ-ઢોકળી કરે'તો 'રાઈ' ઓછી નાખજે ..હને?
અને પાછાં આવતાં મોડું થાય તો રાહ ના જો'તી,
ચિંતા ના કરતી...જાઉં છું...
બા'બાય... "કેસર ડાર્લિંગ" !..............જાળી વાસી દે પહેલાં.