Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Friday, August 15, 2008

શક્યતાનું ઢાંકણ


જાઓ જો કદીક શબ્દોનાં કટકા કરી રસોડામાં,
વિચારોના મસાલિયામાં ભેળ-સેળ રંગો મળે,

કેમેય કરીને જામતું નથી આ મહીં-દિલ,
થોડુંક વલોવાતું ને પછી ખાટી છાશ મળે !

સંબંધોના ફ્રિજમાં ડોકિયું કરો સહજ,
અકબંધ - અવનવાં રંગમાં લોકો મળે,

હાથ ફેલાવો તાજા શાકની આશમાં,
બરફ આડે થીજેલા વાસી ભાત મળે !

મજલ 'કાપવાનું' શરૂ કરો ક્યાંકથી ને,
ચપ્પુ પર લોહીની અમથી ધાર મળે,

સમારતાં ડુંગળીની તીખી યાદો,
ખબર ન પડે કોઇને, એમ રડવાનું કારણ મળે!

'છ્મ્' કરતો વઘાર ને ધુમાડો ગુંગળાય,
ન કરે યાદ કોઇ, ને અચાનક ખાંસી મળે !

બે-ચાર ચીસો સંભળાય દિલનાં કુકરમાંથી,
હોંશે ખોલે શક્યતાનું ઢાંકણ 'મેહુલ',
.... ને આંધણ સહુ કાચા મળે !

Friday, December 01, 2006

હાર



બ્રશથી દોરવા જાઉં છું
પણ કાળો રંગ લાલ થઈ જાય
એ પીળા સૂરજમુખીમાં
ઓરેન્જ કલર કેમ વધારે પડી જાય?

કલમ શું પાડે શબ્દો આડા-અવળા
ખુદ અક્ષરો અર્થમાં ગૂંચવાઈ જાય..
ને મારી પંક્તિઓ ખારી થઈ વહી જાય !

ફાનસનું અજવાળું તો મેં મૂક્યું હતું
તોય પોટ્રેઈટ સ્ત્રીઓનું કેમ અંધારામાં છે ?
વ્હાઈટ કલરની ટ્યુબો ઘસાઈ ગઈ બધી
છતાંય આ ઘરેણાં ઝાંખા પડી જાય ...

સાથ ના આપે મિત્રો મારા
નક્કી કંઈક વાંધો પડ્યો છે,

ઓલા શબ્દોને કલમથી
ને કલર્સને બ્રશથી
નહીં તો..
આટલી જલ્દીથી મેહુલ
હાર ના માની જાય !

કોરો કાગળ

શું કોરો કાગળ જોઈ લખવાનું મન થાય છે?
નક્કી તારા જીવનમાં કોઈ ખાલી સ્થાન છે.

સૃષ્ટિ ને દ્રષ્ટિ બે'યનું મહત્વ સરખું જ છે
વાંચે છે એ શું નહીં ખબર હોય એને જ
ધ્યાન તો એનું ક્યાંક બહાર છે.

વસંત પહેલાનાં પાનખરની જ આ વાત છે,
એમ ના કહેતાં કે મારા નસીબ ખરાબ છે.

જ્યાંથી નીકળ્યો'તો પ્રગતિના પંથ ઉપર
આવી પહોંચ્યો ફરી પાછો ત્યાં જ
રેખા અને વર્તુળનો ભેદ,
હવે મેહુલને સમજાય છે !

Monday, November 27, 2006

પણ હોઈ શકે !

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
'નભ-ધરા' તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે 'ઘર' પણ હોઈ શકે !

સવાર ઊગે છે ને સાંજ ઢળે છે,
અત્યંત સ્વાભાવિક આ દિવસ છે
કોઈકને ઝૂરતી આંખો કંઈક બોલે છે
તેને માટે તે આખું વર્ષ પણ હોઈ શકે !

લખવો ને બોલવો સહેલો છે
અઢી અક્ષરનો એ શબ્દ છે
જરા એને દિલમાં ઉતારી જોજે
કદાચ કેટલીય જિંદગીઓ
એમાં સમેટાયેલી પણ હોઈ શકે?

તે ભાગે છે, પેલો દોડે છે
શું બસ આ જ જિંદગી છે..
આવી જાય હાથમાં ત્યારે આંખ ઉઘાડજે
કદાચ એ તારું સપનું પણ હોઈ શકે !

એક છોકરી

એક હાથ છે આંખો ઉપર
ને બીજો ધબકતાં દિલ ઉપર
એક છોકરી શરમાયને
મારું વિશ્વ એમાં સમાય છે.

અડોઅડ બેઠી છે
પાછળ એ બાઈક ઉપર
એક છોકરીની શિખામણ છતાંય
આટલી બધી ઝડપ મરાય છે?

ફૂટતાં દાણાં મકાઈના ને
મસાલો પણ છંટાય છે
એક છોકરી મઝાથી ખાય ને
બે હોઠો વચ્ચે દિલ પીસાય છે !

અડું તો ગુસ્સે થાય ને
ના અડું તો ઈશારા થાય
એક છોકરીએ ઉભી કરેલી મૂંઝવણ
ને એમાં દિવાનો મૂંઝાય છે !

આ મારી કાપલી ને લા'ય તારી કાપલી,
એક-બે કિતાબોની આપ-લે પણ થાય,
એક છોકરી નથી સાવ ભોળી,
બહુ જલ્દીથી એને ઘરે જવાનું મોડું થાય છે !

Friday, November 24, 2006

અધૂરાં

મારી ઈઝલ ને કોરું કેનવાસ મૌન થઈ ગયાં
એકસાથે વળગી પડ્યાં એ ચિત્રો અધૂરાં

આટલી તો શાંતિ નહોતી કદી મારા રુમમાં
લાગે છે રહી ગયા કો'કનાં ગીત અધૂરાં

ખાલી નથી આ રુમ,જુઓને પોસ્ટર્સ,બુક્સ,સીડી
તોય મન ઝઝૂમી રહ્યું છે
ભરવાને કેટલાંક રિક્ત સ્થાન અધૂરાં

જોતાવેંત ગમી જાય એ કાર્ટૂન્સ
ધોળા દેખાય છે સાવ
બાકી રહ્યા ગયા જાણે ભરવાને રંગ અધૂરાં

કેટલો સિફતથી છટકી ગયો હું
પાછળ વળીને જોયું પણ નહીં
તોડવાને બાકી રહી ગયા છે..કેટલાંક સંબંધો અધૂરાં..

મિત્રો,સ્વજનો ચોતરફ છે મારી આજે
કાલે છું એકલો
ગુમાવવું જ રહ્યું કંઈક 'મેહુલ' તારે..
મેળવવાને કેટલાંક સપનાં અધૂરાં.... !

Wednesday, November 22, 2006

અત્યારે હું શું છું ?

કદીક મિનાર બનાવતો આકાશને આંબતો,
તો કદીક દરિયાનાં મોજામાં મારી હોડી અફળાવતો ...
ખોવાઈ જતો પરીઓનાં મહેલની વાર્તામાં,
ઊડતો જતો બસ કોઇકને સાથે લેતો..

કદીક ચાળતો સૂરજના તડકાને મારા પ્રિઝ્મથી
ને કદીક પલળી પાણી થઇ સુકાઇ જતો..

ભેગા કરતો પીંછા મારા બાગમાંથી
એમ જ સંઘરી રાખતો .. વારેઘડીએ જોતો રહેતો..

ખોટી કાચની બુટ્ટી - બંગડીને ખજાનો સમજી
જમીનમાં સંતાડી રાખતો...
તો કદીક છાપાનાં ટુકડાની નોટો બનાવી દુકાન ચલાવતો..

ડાળીઓ તોડવા કઠિયારો બનતો અને
ઘર બનાવી લીધા પછી હું જ ઘરનો માલિક બનતો..

પાણી મેળવવા કૂવો'ય ખોદતો
ને હોજથી 'મારું' ઘર વૈભવી બનાવતો....

હું જ હતો એંજિનીયર ને હું જ હતો વેપારી,
હું જ હતો દર્દી ને હું જ હતો ડૉક્ટર

અને અત્યારે હું શું છું ? કદાચ......

Tuesday, November 21, 2006

ક્યાં કદી ભૂલી શકાય છે?

છલોછલ જંગલમાં કિરણોની પગદંડી ઉપર
તરુનાં પગલાં ક્યાં કદી ભૂંસી શકાય છે?
સમય ને ક્ષણના સોય-દોરાથી
આ દિલનાં ઘાવ ક્યાં કદી સાંધી શકાય છે?
વજ્ર હોય શરીર ને, હોય પત્થરની કીકી
તોય ઊર્મિઓના આવેગ અને પ્રેમનાં આંસુ
ક્યાં કદી રોકી શકાય છે?
એક નજરમાં લાગે કે બધું સમજી ગયા તમે
જરા બીજીવાર નજર મિલાવજો
સ્ત્રીના મનને ક્યાં કદી કળી શકાય છે?
શું તારે મહત્ત્વાકાંક્ષાના આકાશમાં
ઇચ્છાઓના તારા તોડવા છે?
માફ કરજે દોસ્ત,
કલ્પનાઓની પાંખો લઇને
ક્યાં કદી ઊડી શકાય છે?
લ્યો આ રહ્યું ફૂલ
ને તેની ઉપરનું ઝાંકળ
યાદ આવી ગયું જે કશુંક 'મેહુલ'
તે ક્યાં કદી ભૂલી શકાય છે?

સરગવા

શિયાળાની સવાર
ને એકબીજાની હૂંફ લેવા મથતાં
અડીઅડીને ઊભેલા સરગવા

કેટલાય ખરી પડતાં સફેદ ફૂલો
અને ખબર ન પડે તે રીતે ઉગતાં ફૂલોની
સાથે ગેલ કરતાં સરગવા,
ને પોતાની સાથે ઊભેલા કેસૂડાનાં
કેસરી ફૂલોની ઇર્ષ્યા કરતા સરગવા

બાજુમાં ઊભેલી બદામડી સાથે ગર્વભેર
માથું ઉંચકીને વાત કરતા સરગવા,
ને થીજી ગયેલા પેંડ્યુલાને
ઠંડા પવનનાં ઝોકાંથી હલતાં રહેવાની સલાહ આપતાં સરગવા

પોતાની પાતળી ડાળીઓ વચ્ચે લપાતાં પારેવાં
અને ઘડીએ-ઘડીએ ડાળી બદલતી દેવચકલીના અવાજને
કાન દઇ સાંભળતા સરગવા,
અને પેલા કશાકની ટાંપમાં બેઠેલા કાચિંડા અને બિલાડીને
એકીટશે જોઇ રહેતાં સરગવા


પોતાની જ ડાળીઓને લીધે ફસાયેલા ફાટી ગયેલા
પતંગોથી દુ:ખી થતાં સરગવા,
ને લચી પડેલી શીંગોને યેનકેન પ્રકારે તોડતાં
લોકોને જોઇ રાજી થતાં સરગવા

શિયાળાની સવાર ને એકબીજાની હૂંફ લેવા મથતા
અડી અડીને ઊભેલા સરગવા .

પહેલા પ્રણયની વાત

ન સમજ ,ન ડહાપણ , ન હતો કોઇ સ્વાર્થનો પણ હાથ
ખૂબ જ સહજતાથી મિલાવી હતી એમણે મારી આંખમાં આંખ

ચહેરો હતો પીડાને દબાવેલો...
હા,પણ નહોતું રોગનું નિશાન !
આછા પ્રકાશમાં ચમકતું હતું ,એ મુગ્ધ પ્રેમીનું વાન.

દૂર હતાં પણ વધારે નજીક હતાં આમ
ખબર પડી ત્યારે ..
જ્યારે એમનાં સરી પડેલ પાલવ અડ્યાનું થયું મને ભાન.

સરળ શબ્દોમાં અથડાઈ મારાં દિલને
એ ઊછળતી ઊર્મિઓની વાત,
લાગ્યું તોડી રહ્યું છે કોઈક
આ પત્થરની જાન !

આંખમાં ઝીણાં સપના ને હતો મૂંગા શબ્દોનો સાથ...
બરાબર સમજી ગયો 'મેહુલ'
આ તો હતી ..પહેલાં પ્રણયની વાત !

Monday, November 20, 2006

દિલનાં આકાર

પૂછીશ ના મને કેવા સિતમ ગુજર્યા છે
તો'ય ભર બપોરે સળગતા કોલસા સહેલાઈથી ઠાર્યા છે.

તમારું નક્કી ક્યાં હતું ? ક્યારે કેવી રીતે આવશો?
એ જ વિચારે રાત-દિવસ બારણાં ખુલ્લાં રાખ્યાં છે.

રોજ રોજ નીકળે છે કંઇક નવા જ અર્થો...
જરુર કરતાં વધારે વાર તમારા કાગળો વાંચ્યા છે.

તમારા વિચારો ઉપર હવે કાબૂ નથી રહ્યો..
ગમે ત્યારે આવીને એણે બધાંની વચ્ચે શરમમાં નાખ્યા છે.

નસેનસમાં વહેતો એ જુવાળ..
હવે મારી કલમ સુધી પહોંચ્યો છે,
કદીક કાગળ પર તો કદીક હથેળીમાં,
'મેહુલે' જ્યાં-ત્યાં દિલનાં આકાર પાડ્યાં છે.

ઉધાર છે થોડું બાકી !



ઉધાર છે થોડું બાકી
આજે પણ મને યાદ છે.
૫૬ લખોટીઓને ૭ પીંચીઓ ,
૮ દુધિયા ને ૪ બંટાઓ,
૧૨ બચ્ચનનાં ને ૪ ડેનીનાં ફોટાઓ !

તેંય મને ક્યાં આપી'તી,
મારી ઘોચમણી પાછી?
ને બોલ, મારા ભેગા કરેલા
છરાઓની ડબ્બીક્યાં સંતાડી છે તેં ??

ને મારી પેલી ધોળી કૂતરીના,
બે ગલૂડિયાં , 'કાબરું' ને 'કાળિયું',
છાનોમાનો ચોરીને લઈ ગયેલો ને?

'મલ્લામાતા'ના ગબ્બરની ચીકણી માટી,
ને હોજ બનાવવા સિમેન્ટનાં પાઈપો
હું જ લાવ્યો'તો ને ...ને તું કેટલો લુચ્ચો ..
પ્રસાદની પેલી નારંગીની ગોળીઓ,
વીણી વીણી ને ખાઈ જતો'તો !

એ તો તુ મને બેટિંગ કરવા દે વધારે વાર્,
એટલે હું તને મારાં બાગમાંના 'કરેણ્'નાં ફૂલો તોડવાં દેતો'તો,
નહીતર મારા 'મોગરાં'ના ફૂલો મેં તને ક્યાં આપ્યા'તાં?

છેક આજે મને ખબર પડી ,
પેલા દિવસે રિસેસમાં તેં મને છેતર્યો'તો,
તારાં બટાકા-પૌંઆના બદલામાં,
તું મારાં બે ક્રિમવાળા બિસ્કિટ ખાઈ ગયો'તો !

અને મારી રંગીન સ્લેટ-પેનનો ટુકડો,
પ્રાર્થનામાં, મારી નજર ચૂકવી,
તેં તારાં દફતરમાં મૂકી દીધોતો'ને?

મારી પાસે લેશન ડાયરીમાં,
તારા પપ્પાની સહી કરાઈતી'નેપછી ..
તારા લીધે જ મારે...
પ્રિન્સિપાલનો માર ખાવો પડ્યો'તો...

તેં મને બહુજ છેતર્યો'તો ..બહુ જ..
છેલ્લી વખત આપણે સ્કુલમાં મળ્યા'તા,
ત્યારે'ય તું જુઠું જ બોલેલો ને..
ફરી મળીશું કહીને તું મારાથી દૂર ભાગી ગયો'તો,
કશુંક છુપાવીને તારી આંખમાં...

એ ઉધાર હજુ બાકી છે..
આજે પણ મને યાદ છે..!

Saturday, November 18, 2006

કલરફૂલ બર્ડ્સનાં પેઇંટીગ્સ કરતાં..



જોયાં હતાં એ સપનાં દિવસો પહેલાં
એનાં સઘળા રંગ ઉતારી દીધાં,
મારાં બ્રશના વાળ અને પંખીઓનાં પીંછા
આજે તો એકમેકમાં નીતરતાં કરી દીધાં..

ઘણાં સમયથી શાંત આ રુમમાં
એકસાથે કેટલાં બધાં પંખીઓ ગુંજતા થઇ ગયાં,
હવે તો રાતનાં એ સપનાંઓમાં પણ
પડઘાં 'કલરવ' નાં સંભળાતાં થઇ ગયાં !

એલાર્મ ની હવે જરુર રહી નહીં....
ખબર ના પડી લોકોને,
આજકાલ કેમ 'મેહુલ' વહેલાં ઊઠતાં થઇ ગયા?

સૌથી પ્રિય છે જે રંગો મને ,
અનાયાસે આજે જીવંત થઇ ઊઠયાં
બસ કહો ને કે,
મારાં દિલનાં ધબકાર ને પંખીઓનો ફફડાટ
એકબીજાની સાથે તાલ મીલાવતાં થઇ ગયાં!

માત્ર થોડાંક જ દિવસોમાં કેટલાં પોતાનાં થઇ ગયાં
જુઓ ને સવારે 'મેહુલ' બહાર નીકળ્યો ત્યારે..
રુમ ખાલી જ હતો ને, પણ સાંજે આવીને જોયું તો,
કેટલાં બધાં માળા બંધાઈ ગયાં !!

હું 'ને ગામડું

શહેરની ગલીઓથી વિખૂટો થઈ ઊંડો શ્વાસ લેજે
હમણાં જ પડેલ વરસાદથી ભીંજી ગયેલી
કાળી માટીની ફોરમ તારામાં ભળી જશે.

મૌન પાદરે બેસી થોડી વાર પોરો ખાજે
એ ગાડાની ઘૂઘરીઓ ..ને 'બુચકારા' સોમભ'ઈનાં
જરુર સંભળાઈ જશે.
અરે....ચાલતાં સંભાળજે જરા .. છાંણમાં પગ ન પડે...
નહીં તો એ લીંપેલા ઘરની દીવાલમાંનાં
આભલાં સાંભરી આવશે....!
પેલા પીપળાની નીચે આવેલી નાગબાપાની ગોખલીમાં
દીવો જરુર કરજે
હાથમાં દૂધની ચિકાશ ને સિંદૂરનો કલર ઊતરી આવશે.
ભીનાં લીલા ઘાસની ચાદરને સ્પર્શ કરજે
કંઇ કેટલાય ગાયોનાં ધણ
તારી નજર સામે ચરી જશે..
લલચાઇશ નહીં સહેજ પણ પેલાં આંબા ઉપર ઝૂલતી કાચી કેરીઓને જોઇને,
નહીં તો પેલાં આંબાની વાડી ફરતે વાવેલાં
ગાંડા બાવળનાં કાંટાઓ તને ઉઝરડાં પાડી જશે...!

સરખી કરીશ ના એ તુટેલી વાંસની બારીને 'મેહુલ'
નહીં તો ?
નહીં તો વરસો પહેલાં, તિરાડમાંથી જોતી,
પેલી બે નિર્દોષ આંખો તને ઘેરી લેશે.. !

હવે કદી નહીં.....

બા, હવે કદી નહીં માંગુ રોજ,
તારી પાસે દસ રુપિયા...
એ દાબેલીની લારી છોડી
હું ' બર્ગર કિંગ' ના વેલ પેક્ડ બર્ગર ખાતો થયો છું.

મમ્મી, હવે તને કદી ગુસ્સો નહીં આવે મારી ઉપર,
તારી સાડીનો છેડો છોડી
હું સ્મુધ ટીસ્યુ પેપરથી મોં લૂછતો થયો છું.

પપ્પા, હવે તમને પણ કદી ફરિયાદ નહીં રહે
મારી ભુલી જવાની આદતથી...
હવે હું i-Paq વાપરતો થયો છું.

ભાઈ, તને હવે કદી ડિસ્ટર્બ નહીં કરું મોટેથી વાંચીને
દૂર રહ્યે હું મનમાં જ બોલતાં
અને સમજતાં શીખતો થયો છું.

મિત્રો, હવે તમને કદી ખોટું નહીં લાગે મારી વાતોથી
વખત આવ્યે હું ' થેંક્યું' અને 'સોરી' ના મલ્હમ વાપરતો થયો છું.

પપ્પા-મમ્મી, હવે કદી નહીં મળે તમને તમારો 'મેહુ' ,
હવે હું ચહેરાં બદલતો થયો છું
હવે હું 'નકલી' થઈ ગયો છું
નહીં, હવે કદી નહીં મળે તમારો 'મેહુ' !

Monday, November 13, 2006

પ્રશ્ન

તમારા પ્રશ્નોનો ક્યાં અંત હોય છે?
અને જવાબની હજી તો મારી શરુઆત છે...

માન્યું કે પ્રેમ અદૃશ્ય હોય છે
ને કવિતા એની રજૂઆત છે..

એમની 'હા' નથી ને 'ના' પણ ક્યાં પાડે છે ?
આખરે આ કયા વેરની વસૂલાત છે.....

એ મૌન થઇને બેઠાં છે,
લાગે છે આ જ પ્રેમની કબૂલાત છે.

એમને માટે તો અમે 'ભૂતકાળ' છે
ક્યાંથી સમજાવું ? મારે માટે હજી પણ એ 'વર્તમાન' છે.

ઘણાં દૂર નીકળી ગયા ખબર નથી ક્યાં છે
ક્યારેક મળશો તો ચોક્કસ કહેશો ,
અરે 'મેહુલ'! હજી તું ત્યાંનો ત્યાં જ છે?

Sunday, November 12, 2006

ઈચ્છા

ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે?
હદ એની માત્ર, જમીનથી આભ છે..

ક્યારેક ખીલે છે, ક્યારેક મુરજાય છે,
આખરે દિલનાં ઓરડામાં જ પુરાય છે...

સાચું કે એ મારી છે
ફરક માત્ર એટલો કે
એ બીજા નામથી ઓળખાય છે.

દિવસભર તો એ લાકડાનું ઘર બંધાય છે
નહીં માનો તમે , રાત્રે એનું જ તાપણું થાય છે.

કીકીમાં મારી કાચનાં મહેલો કંડારાય છે,
રોજ ચોળું છું મારી આંખો
તૂટેલી કરચો ખૂંચાય છે.

ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે,
આજ હોય છે ને કાલે બદલાય છે
"મેહુલ"ને કહો કે...
એ ખોટેખોટો હરખાય છે.