Monday, December 04, 2006

દોસ્તાર

હોય એ દિવસો સબમીશનના કે હોય પછી એક્ઝામ્સની તૈયારીના
હસી લેતાં'તા સાથે આટલા બધાં ટેન્શનમાં
આમ તો ઘડીભરની નવરાશ નહોતી ને,
દિવસો નીકળી જાતા'તા આમ ... જલ્સા-પાર્ટીઓમાં !

મળવાના ટાઈમ ફિક્સ થતા'તા સવાર-સાંજ જ્યાં ફોનમાં
હવે કોને કહું એ લફરાઓ બધાં
ભભરાવીને મીઠું-મરચું સાથમાં ?
ચલાવવાને મળશે શું સાથે બેસીને બાઈક ફુલ-સ્પીડમાં?
ને છોકરીની મશ્કરી કરતાં..

મળશે ક્યાં એ જવાબ મારા હાથને તારી તાળીમાં ...
બસ, હાંકે જતો'તો સાથે પેઈન્ટિંગ્સ કરતાં કે ગીતો સાંભળતાં
નહોતું કંઈ તથ્ય વાતોમાંને છતાંય સહન કરતો'તો બધું
હસીને તું મનમાં ને મનમાં !

વાતો થતી હતી જ્યાં ઈશારા ને ગાળોમાં
મળશે ક્યાં એ છલકતી મસ્તી, હતી જે 'પેલી' આંખોમાં !
તું જ હતો જે જાણતો હતો કે મેહુલ છે કેટલામાં..
વર્ષો વીત્યાંને હજીય તું પણ એવો જ છે મારી નજરમાં

મળી જશે મિત્રો અનેક આ સફરમાં
રસ્તો જોવાનો યાર તારો
મેહુલ આ સફરમાં !

(મારા દોસ્ત વિમલ પટેલ (ટોરન્ટો,કેનેડા) ને અર્પિત...)

Friday, December 01, 2006

હારબ્રશથી દોરવા જાઉં છું
પણ કાળો રંગ લાલ થઈ જાય
એ પીળા સૂરજમુખીમાં
ઓરેન્જ કલર કેમ વધારે પડી જાય?

કલમ શું પાડે શબ્દો આડા-અવળા
ખુદ અક્ષરો અર્થમાં ગૂંચવાઈ જાય..
ને મારી પંક્તિઓ ખારી થઈ વહી જાય !

ફાનસનું અજવાળું તો મેં મૂક્યું હતું
તોય પોટ્રેઈટ સ્ત્રીઓનું કેમ અંધારામાં છે ?
વ્હાઈટ કલરની ટ્યુબો ઘસાઈ ગઈ બધી
છતાંય આ ઘરેણાં ઝાંખા પડી જાય ...

સાથ ના આપે મિત્રો મારા
નક્કી કંઈક વાંધો પડ્યો છે,

ઓલા શબ્દોને કલમથી
ને કલર્સને બ્રશથી
નહીં તો..
આટલી જલ્દીથી મેહુલ
હાર ના માની જાય !

કોરો કાગળ

શું કોરો કાગળ જોઈ લખવાનું મન થાય છે?
નક્કી તારા જીવનમાં કોઈ ખાલી સ્થાન છે.

સૃષ્ટિ ને દ્રષ્ટિ બે'યનું મહત્વ સરખું જ છે
વાંચે છે એ શું નહીં ખબર હોય એને જ
ધ્યાન તો એનું ક્યાંક બહાર છે.

વસંત પહેલાનાં પાનખરની જ આ વાત છે,
એમ ના કહેતાં કે મારા નસીબ ખરાબ છે.

જ્યાંથી નીકળ્યો'તો પ્રગતિના પંથ ઉપર
આવી પહોંચ્યો ફરી પાછો ત્યાં જ
રેખા અને વર્તુળનો ભેદ,
હવે મેહુલને સમજાય છે !

બંધ પડેલ બંગલાનાં - જર્જરિત બાગનો - પરિચય

( દસ વર્ષો પહેલાં છોડેલા ( હકીકતે તરછોડાયેલા) બંધ પડેલા બંગલા 'યશોધર' ના બાગનો પરિચય, જ્યાં મેં મારું બાળપણ સંતાડેલું છે )

કાટ ખાઇ ગયેલો મેઇન ગેટ ખોલતાં જ પહેલી નજર,
બાજુમાં વાવેલી 'મોગન વેલ'ના મુળિયાએ તોડેલી દિવાલ ઉપર પડી,
'ગૅટ' ના બે 'પીલર્સ'માં મુકેલા 'ભુંગળા'માંથી..
ખિસકોલીના બચ્ચાંનો અવાજ આવતો હતો,
ત્યાં જ કૂદી પેલી 'પેંધી' પડેલી બિલાડી ... અને એ અવાજ શાંત થઇ ગયો...

પગ-લૂછણિયાંની કિનારો તોડવામાં ઘણાં બધાનો હાથ હતો એ હું જાણતો હતો,
ખાસ તો ખિસકોલી, કૂતરાં અને ચકલીઓ...

બહુ ધીરજથી મેં અને રાહુલે નાંખેલી ત્રિકોણાકાર ક્યારાની ઇંટો ,
હવે સીધી લાઇનમાં નથી રહી, મોટા ભાગની ઉખડી ગઇ છે...

કમ્પાઉંડમાં પડી રહેતાં મારાં 'લ્યુના'ના મિરરના ડાઘની પાછળનું રહસ્ય...?
હા... સવારનાં પો'રમાં આવતી પેલી રાખોડી કાબરો જ'સ્તો !

લીમડાનાં થડમાંથી બહાર આવતું ગુંદર મેં કેટલાંય વર્ષોથી ભેગું નથી કર્યું
અને બે લીમડા વચ્ચે બાંધેલા કપડાનાં તારને પણ
પેલા 'પોપટિયા' પાનાં વડે 'ટાઇટ' કરવાનાં હજુ બાકી છે !

અને જો'તો રાહુલ, બેનનાં ઘરેથી લાવેલા પેલાં ગલબા, 'પીળી પટ્ટી', કેક્ટસ અને કેના
હજી'ય એવા ને એવા જ તરસ્યા છે...
'કેના' ની પાછળ લપાઇને ઝોકા મારતાં પેલા ધોળિયા કૂતરાએ કરેલો ખાડો
હજીય પૂરાયો નથી..

'પીળી કરેણ' ઉપરથી ટપ દઇને પડતું , 'દૂધ' પાડતું 'ટીડોળું'
આજે પણ મારા પગ નીચે ચગદાયું ...
ક્યારેક એનો ઢગલો કરીને, લીમડાની ડાળીમાંથી બનાવેલા 'ગિલોલ'થી,
ઉનાળાના વેકેશનમાં બપોરે, છુપાઇને લોકોને મારવામાં 'ટાઇમ પાસ' થતો'તો .. હે..ને?

કોટે-કોટે જતી પાણીની પાઇપો ઉપર, કાટ ના લાગે એ માટે,
જાતે લગાડેલ લાલ કલર હજી ગયો નથી,
પણ.. પાઇપનાં નળ કોઇ ચોરી ગયું છે !

'કરપાયેલી' ટોટી હજી ઓરડીનાં ભંગારમાં પડી છે..
એની બાજુમાં જ માળી પાસે ખાસ મંગાવેલ છાણીયા ખાતરનો
ફાટી ગયેલો કોથળો પડ્યો છે...

આપણો વાવેલો 'દેશી' મોગરો હવે રહ્યો નથી.. હા..
'જુઇ' ના મૂળિયાં ઉધઇ સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે !

પેંડ્યુલા પણ હવે સપોર્ટ વિના ઉભા રહેતાં થઇ ગયા છે,
તેના થડને અડવાં જતાં, લાલ કીડીઓની ધાર મને વળગી પડી,
ક્યારેક એની ડાળીઓમાં, બુલબુલે મૂકેલા ઇંડા અને બચ્ચાને
કલાકો સુધી જોતાં'તા ! અને..હા કાગડા, બિલાડી ઉપર ખાસ નજર રાખતા'તા..

'પરદા વેલ' થોડાક દિવસો પહેલા કપાવી નાખી ..પપ્પાનું માનવું હતું'કે...
એ 'ખાલી' જંગલી ઝાડી હતી અને મચ્છર પણ બહું થતા હતાં..
મારું માંનવુ છે કે , એ 'યશોધર'ના વરંડાની શોભા હતી અને...
મારા ફેવરીટ 'બ્લુ બર્ડ'નું ઘર હતું ... !

પાછળની ચોકડીમાં લીલ બાઝી ગઇ છે અને પપ્પાની ના પડવા છતાં,
તેની બાજુમાં જ મેં વાવેલા ચંપાનું ઝાડ મોટું થઇ ગયું છે'ને એના મૂળિયાએ,
બિચારી ગટર ફરતે ભીંસ લઇ લીધી છે...

એના ઉપર આવેલા ફૂલો ને અડવા ગયો' પણ............
એક 'જંગલી કરોળિયા' એ બાંધેલા જાળામાં મારો હાથ લપેટાઇ ગયો ..
ત્યારે જ સૂકાયેલા પાંદડામાં, એક કાચિંડો ઝડપથી દોડી ગયો ...

હજી'તો ઘણં બધું શોધવાનું બાકી છે ,
પેલી મધુમાલતીના ક્યારાની નીચે સંતાડેલો કાચના ટુકડાનો ખજાનો,
ક્યારામાં જ ઘરઘત્તા રમતાં બનાવેલ હોજની સિમેંટની પાઇપો,
ચોમાસામાં ખોવાઇ ગયેલી મારી દૂધિયા લખોટીઓ,
ચોકડીની ઇંટો નીચે છૂપાયેલા અને મને હંમેશા ડરાવતાં
'ઝેરી' કાનખજૂરા, ચીકણી માટીમાંથી ઉભરાતાં અળસિયા.. બધું'જ...

અને હજી'તો મારે આખા દિવસમાં મોરે પાડેલા બધાં પીંછા
કંપાઉંડમાંથી ભેગા કરવાના છે ....

સાંજ પડવા આવી ... અનાયાસે .. મારા પગ પાણી છાંટવાની ટોટી
અને ચોકડી તરફ ઉપડ્યા..
અચાનક ભાન થયું , ન'તો ત્યાં નળ હતો, ના પાણી હતું !

માંડ મહેનતે એક વખત બાંધેલી, પાણીના વ્હેણ માટેની 'કોરી' પાળમાંથી,
એક સામટાં ફૂટી નીકળેલા જંગલી ઘાસ અને હા.. પેલા કપડા ઉપર
ચોંટી જાય'ને તે 'કૂતરા'ઓ...... બધા મારા ઉપર ખડખડાટ હસવા લાગ્યાં..... !

હું.. વરંડા ઉપર, 'મોટા અક્ષરે' લખેલ 'યશોધર' ને તાંકી રહ્યો ...
ડૂબતાં સૂરજમાં અક્ષરોનો રંગ ધીમે ધીમે 'પીળિયો' .. 'ફિક્કો' ..
અને સાથે જ હું પણ અશક્ત બનતો જતો હતો.......

Thursday, November 30, 2006

વાર કેટલી ?

ખોટી મથામણ કરી રહ્યો છે એ
દિલના અંગારા બુઝાવવા
બાકી એક ફૂંક મારી ..
ભડકો કરતાં વાર કેટલી ?

ઘણાં સમય પછી માંડ શાંત રહ્યું છે આ પાણી
બાકી આ રહ્યો કાંકરો હાથમાં
વમળો પેદા કરતાં વાર કેટલી?

તણખલું પકડી વર્ષોથી બચવા ફાંફાં મારે છે
બાકી દરિયો તો બહું ઊંડો છે
ડૂબતાં વાર કેટલી ?

જાણી જોઈને મૌન બની એ બેસી રહ્યો
બાકી ત્રણ શબ્દો જ છે
કહેવામાં વાર કેટલી ?

આ તો જીદ છે બસ ..
કે ખુશ થઈ સામેથી આપી દે એને
બાકી 'મેહુલ'ને ઝૂંટવી લેતાં વાર કેટલી?

Monday, November 27, 2006

પણ હોઈ શકે !

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
'નભ-ધરા' તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે 'ઘર' પણ હોઈ શકે !

સવાર ઊગે છે ને સાંજ ઢળે છે,
અત્યંત સ્વાભાવિક આ દિવસ છે
કોઈકને ઝૂરતી આંખો કંઈક બોલે છે
તેને માટે તે આખું વર્ષ પણ હોઈ શકે !

લખવો ને બોલવો સહેલો છે
અઢી અક્ષરનો એ શબ્દ છે
જરા એને દિલમાં ઉતારી જોજે
કદાચ કેટલીય જિંદગીઓ
એમાં સમેટાયેલી પણ હોઈ શકે?

તે ભાગે છે, પેલો દોડે છે
શું બસ આ જ જિંદગી છે..
આવી જાય હાથમાં ત્યારે આંખ ઉઘાડજે
કદાચ એ તારું સપનું પણ હોઈ શકે !

એક છોકરી

એક હાથ છે આંખો ઉપર
ને બીજો ધબકતાં દિલ ઉપર
એક છોકરી શરમાયને
મારું વિશ્વ એમાં સમાય છે.

અડોઅડ બેઠી છે
પાછળ એ બાઈક ઉપર
એક છોકરીની શિખામણ છતાંય
આટલી બધી ઝડપ મરાય છે?

ફૂટતાં દાણાં મકાઈના ને
મસાલો પણ છંટાય છે
એક છોકરી મઝાથી ખાય ને
બે હોઠો વચ્ચે દિલ પીસાય છે !

અડું તો ગુસ્સે થાય ને
ના અડું તો ઈશારા થાય
એક છોકરીએ ઉભી કરેલી મૂંઝવણ
ને એમાં દિવાનો મૂંઝાય છે !

આ મારી કાપલી ને લા'ય તારી કાપલી,
એક-બે કિતાબોની આપ-લે પણ થાય,
એક છોકરી નથી સાવ ભોળી,
બહુ જલ્દીથી એને ઘરે જવાનું મોડું થાય છે !

Friday, November 24, 2006

આજે એક વર્ષ પુરું થયું...

તમે કોઇ દિવસ એમ નથી પૂછ્યું ,
કે તું ક્યાં કામ કરે છે? મજા આવે છે?
બસ મારા ખાવાનાની અને તબિયતની જ તમને ચિંતા રહે છે...
અને મારું ભણવાનું કેમ ચાલે છે?

આજે તમે મને ચાર-પાંચ લાઇનમાં
e mail કરતાં થયા છો,
મારી જોડે chat કરતાં થયા છો,
વેબ કેમેરામાં તમે મને અડક્યો છે !

બા પણ હવે ઘણું બધું જાણતી થઇ ગઇ છે, નહીં?
વેબ-કેમેરાની નહીં , પણ તમે મારી સામે બેઠાં છો.

દિવસો જતા રહ્યાં એક પછી એક,
તમારા હાથે લખેલા માંડ બે પત્રો..
હવે જૂના થતાં જાય છે..

મારા In Box માં ભેગા કરેલાં તમારાં mails ,
વારેઘડીએ વાંચીને ખુશ થાઉં છું,
તમારા English માં લખેલા ગુજરાતી e mail
મને ગમે છે, બહુ જ ગમે છે !

મમ્મીની લાગણીઓ , વેબ કેમેરાને એ અડે છે
ત્યારે અનુભવું છું,
પપ્પાની ચિંતાની રેખાઓ મારા computer screen
ઉપર વધારે સ્પષ્ટ દેખાઇ રહી છે,
બાનાં વધતાં નંબર, મને ધ્યાનથી જોવાનાં પ્રયત્નો....
બધું જ તો અનુભવું છું !

Internet Connection આજે વારેઘડીએ તુટી જાય છે,
પપ્પા તમે કાલે આવજો.... કહીને હું જતો રહું છું..
મને ખબર છે, તમે આખી રાત અને કાલનો
આખો દિવસ , મને મળવાના વિચારે બેચેન રહ્યા હશો.

સાંજે ઓફિસેથી વહેલા આવીને કર્યું ને..
ખબર પડી.. hotmail ની msn service બંધ છે.
એક કલાકે તમે Log-In થયા હશો,
એ મહેનત, એ ધીરજ , તમને આ ઉંમરે,
બહું આકરી લાગતી હશે...

મમ્મી, હું જોઇ શકું છું ..
મારા "Offline - Status" સામે કેટલીયવાર
તું તાકીને બેઠી હોઇશ, અમુકવાર...
મારી જોડે કરેલી વાતો, મારો ચહેરો..
બધું જ તો સ્પષ્ટ દેખાતું હશે..

તને થશે આ કાંઇ નવું નથી,
હું Tution થી કે College થી મોડો આવતો 'તો
ત્યારે તું આજ રીતે Balcony માં ઊભી રાહ જોતી'તી ..
કશું જ તો નથી બદલાયું..!આજે પણ રાહ જોવડાવું છું ! હેં...ને?

તું ભલે મારા ફકરાના જવાબમાં,
ફક્ત બે શબ્દો Type કરે...
હું સમજી જાઉં છું... તે શું લખ્યું હશે?

હાસ્તો... એ જ કે ...
' ખાવા-પીવામાં ધ્યાન રાખજે... ! '
હું હવે બધું જ તો સમજું છું ,
તેં જ , વગર બોલે , મને સમજવાની આદત પાડી દીધી છે !

હું Bore થાઉં છું, ગુસ્સે થાઉં છું , તમારા ધીમા Reply થી,
જુદા જુદા Icon ફેંકુ છું , પણ તમે હજી સુધી ..
એક જ Icon જવાબમાં આપ્યું છે , ' Love ' નું !


મારા માઇક પરનાં અવાજને સાંભળવા,
Speakersનાં Volume full કરી દો છો, હું'ય...
એક-એક વાક્યે, તમને અજીબ - અજીબ સંભળાતાં
અવાજોમાંથી અર્થ કાઢવાનાં કોયડાઓ આપે રાખું છું.....
પણ તો'ય તમારા બંને નો ,
સમજવાનો અર્થ એક જ હોય છે.. !

તમે ભગવાનની જેમ, Hotmail Account પાસે કદાચ પ્રાર્થના કરતા હશો...
કે તમે બે કલાકે માંડ કરેલા ચાર લાઇનનાં જવાબમાં ,
હું શું લખીશ ? આવું લખીશ? કેવું લખીશ?!
એની ચર્ચા થતી સાંભળી શકું છું !

અને હા, તમારાં બે વચ્ચે,
મૂઢ મારી ગયેલો બા નો ચહેરો..હું સ્પષ્ટ જોઇ શકું છું !

મારા Reply દિવસે - દિવસે નાના થતાં જાય છે,
કેમ છો? ..મઝામાં છું ! ...હવે એનાથી આગળ નથી સૂઝતું...નથી લખાતું...

"Take Care"નો ધૂંધળો શબ્દ Type કરીને,
હું 'Send' ના button ઉપર,
એક નિરસ 'Click' પડતું મૂકું છું...

આજે મારા In- Boxમાં એક mail આવ્યો,
અચાનક મને ખબર પડી, આજે એક વર્ષ પુરું થયું મને India છોડે !
એ પણ તમારો જ'સ્તો હતો..

હા, મમ્મી-પપ્પા , ખરેખર લાગે છે,
મને એક વર્ષ પુરું થયું India છોડે.. !

હાઈકુ


ઊગ્યો સૂરજ
મિલની સાયરને
જાગ્યું શહેર

તારી પાંપણ
સળિયા પાછળ 'હું'
પુરાયો જલ્દી


કૂંડામાં માળો
બચ્ચાનું છોડ સાથે
થવું ઊડતાં

અધૂરાં

મારી ઈઝલ ને કોરું કેનવાસ મૌન થઈ ગયાં
એકસાથે વળગી પડ્યાં એ ચિત્રો અધૂરાં

આટલી તો શાંતિ નહોતી કદી મારા રુમમાં
લાગે છે રહી ગયા કો'કનાં ગીત અધૂરાં

ખાલી નથી આ રુમ,જુઓને પોસ્ટર્સ,બુક્સ,સીડી
તોય મન ઝઝૂમી રહ્યું છે
ભરવાને કેટલાંક રિક્ત સ્થાન અધૂરાં

જોતાવેંત ગમી જાય એ કાર્ટૂન્સ
ધોળા દેખાય છે સાવ
બાકી રહ્યા ગયા જાણે ભરવાને રંગ અધૂરાં

કેટલો સિફતથી છટકી ગયો હું
પાછળ વળીને જોયું પણ નહીં
તોડવાને બાકી રહી ગયા છે..કેટલાંક સંબંધો અધૂરાં..

મિત્રો,સ્વજનો ચોતરફ છે મારી આજે
કાલે છું એકલો
ગુમાવવું જ રહ્યું કંઈક 'મેહુલ' તારે..
મેળવવાને કેટલાંક સપનાં અધૂરાં.... !

Wednesday, November 22, 2006

અત્યારે હું શું છું ?

કદીક મિનાર બનાવતો આકાશને આંબતો,
તો કદીક દરિયાનાં મોજામાં મારી હોડી અફળાવતો ...
ખોવાઈ જતો પરીઓનાં મહેલની વાર્તામાં,
ઊડતો જતો બસ કોઇકને સાથે લેતો..

કદીક ચાળતો સૂરજના તડકાને મારા પ્રિઝ્મથી
ને કદીક પલળી પાણી થઇ સુકાઇ જતો..

ભેગા કરતો પીંછા મારા બાગમાંથી
એમ જ સંઘરી રાખતો .. વારેઘડીએ જોતો રહેતો..

ખોટી કાચની બુટ્ટી - બંગડીને ખજાનો સમજી
જમીનમાં સંતાડી રાખતો...
તો કદીક છાપાનાં ટુકડાની નોટો બનાવી દુકાન ચલાવતો..

ડાળીઓ તોડવા કઠિયારો બનતો અને
ઘર બનાવી લીધા પછી હું જ ઘરનો માલિક બનતો..

પાણી મેળવવા કૂવો'ય ખોદતો
ને હોજથી 'મારું' ઘર વૈભવી બનાવતો....

હું જ હતો એંજિનીયર ને હું જ હતો વેપારી,
હું જ હતો દર્દી ને હું જ હતો ડૉક્ટર

અને અત્યારે હું શું છું ? કદાચ......

પલળી ગયાં...

દોડે છે આ રેલનાં પાટા સમાંતરે
લાગે દૂરથી મળી ગયા
આપણી વચ્ચેની મૈત્રી અને પ્રેમ વચ્ચેનો તફાવત
એ મને સમજાવી ગયાં.

તારા પર મારો હક્ક કેટલો?
ગુલાબને તોડતાં નીકળેલાં બે લોહીનાં ટીપાં
મને આપી જવાબ ગયાં.

બે ઘડીની મુલાકાત કે ચાર આંખોની વાતચીત,
જે કહો તે.....
ખબર છે એટલી મને કે,
ફૂંક મારી અંગારાને
તમે મને સળગાવી ગયાં.

શું બોલવાને માટે શબ્દ નથી?
પૂરતું છે એટલું મારા માટે
કે તમારાં આંખના ઇશારા
મને ગમી ગયાં.

કદાચ શિયાળો હતો...
ના.. ના... ઉનાળો હતો
છોડો એ વાતને , મોસમ વગર
આપણે 'મેહુલા'માં પલળી ગયાં !

લઇ લીધું ઘણું ..

સિફતથી છીનવી લીધું તેં સઘળું બધું
માત્ર એક જ જિંદગી આપી
લઇ લીધું ઘણું...!
ડૂબતો ગયો હું નિરાશામાં વધુ ને વધુ
ત્યારે તે હસતા રહ્યા નિર્દય રીતે
ખંધું..ખંધું.......!
બહુ ચીવટથી ભેગું કર્યું હતું , ટીપે ટીપે એ મધુ
ને તમે પીધું ન પીધું ત્યાં ઢોળી દીધું ..!
જવા દો હવે.. તમે બોલી ના શક્યા હોઠોથી સીધે સીધું
અરે..આંખના ઇશારાથી પણ ના કશું કીધું...!
બહુ મોડેથી ખબર પડી 'મેહુલ'ને
કે એણે કંઇક બીજું જ સમજી લીધું... !

Tuesday, November 21, 2006

ક્યાં કદી ભૂલી શકાય છે?

છલોછલ જંગલમાં કિરણોની પગદંડી ઉપર
તરુનાં પગલાં ક્યાં કદી ભૂંસી શકાય છે?
સમય ને ક્ષણના સોય-દોરાથી
આ દિલનાં ઘાવ ક્યાં કદી સાંધી શકાય છે?
વજ્ર હોય શરીર ને, હોય પત્થરની કીકી
તોય ઊર્મિઓના આવેગ અને પ્રેમનાં આંસુ
ક્યાં કદી રોકી શકાય છે?
એક નજરમાં લાગે કે બધું સમજી ગયા તમે
જરા બીજીવાર નજર મિલાવજો
સ્ત્રીના મનને ક્યાં કદી કળી શકાય છે?
શું તારે મહત્ત્વાકાંક્ષાના આકાશમાં
ઇચ્છાઓના તારા તોડવા છે?
માફ કરજે દોસ્ત,
કલ્પનાઓની પાંખો લઇને
ક્યાં કદી ઊડી શકાય છે?
લ્યો આ રહ્યું ફૂલ
ને તેની ઉપરનું ઝાંકળ
યાદ આવી ગયું જે કશુંક 'મેહુલ'
તે ક્યાં કદી ભૂલી શકાય છે?

સરગવા

શિયાળાની સવાર
ને એકબીજાની હૂંફ લેવા મથતાં
અડીઅડીને ઊભેલા સરગવા

કેટલાય ખરી પડતાં સફેદ ફૂલો
અને ખબર ન પડે તે રીતે ઉગતાં ફૂલોની
સાથે ગેલ કરતાં સરગવા,
ને પોતાની સાથે ઊભેલા કેસૂડાનાં
કેસરી ફૂલોની ઇર્ષ્યા કરતા સરગવા

બાજુમાં ઊભેલી બદામડી સાથે ગર્વભેર
માથું ઉંચકીને વાત કરતા સરગવા,
ને થીજી ગયેલા પેંડ્યુલાને
ઠંડા પવનનાં ઝોકાંથી હલતાં રહેવાની સલાહ આપતાં સરગવા

પોતાની પાતળી ડાળીઓ વચ્ચે લપાતાં પારેવાં
અને ઘડીએ-ઘડીએ ડાળી બદલતી દેવચકલીના અવાજને
કાન દઇ સાંભળતા સરગવા,
અને પેલા કશાકની ટાંપમાં બેઠેલા કાચિંડા અને બિલાડીને
એકીટશે જોઇ રહેતાં સરગવા


પોતાની જ ડાળીઓને લીધે ફસાયેલા ફાટી ગયેલા
પતંગોથી દુ:ખી થતાં સરગવા,
ને લચી પડેલી શીંગોને યેનકેન પ્રકારે તોડતાં
લોકોને જોઇ રાજી થતાં સરગવા

શિયાળાની સવાર ને એકબીજાની હૂંફ લેવા મથતા
અડી અડીને ઊભેલા સરગવા .

આમ જોઈએ તો વાત બહુ સામાન્ય હતી..

મેં તેમને વાંચવા આપેલી ફાટેલી બૂક
સાંધી અને રંગીન કવર ચઢાવી મને પાછી આપી.
આમ જોઈએ તો...

સૂકાયેલા ઝાડના ઠૂંઠાની ઉપર ચઢાવેલી વેલને
આજે ફૂલ આવ્યાં હતાં.
આમ જોઇએ તો ...

મારા ફાટેલા બૂટનાં તળિયામાંથી આવતી હવા
મને ઠંડક આપતી હતી.
આમ જોઈએ તો..

એમણે આજે પંજાબી ડ્રેસ પહેર્યો હતો,પણ...દુપટ્ટો ન હતો,
હું આખો દિવસ બેચેન રહ્યો.
આમ જોઈએ તો...

મારા રુમમાંના 'હનુમાન'ના કેલેન્ડરની સામે
'મધુબાલા'નું પોસ્ટર હતું.
આમ જોઈએ તો...

રાત્રે ચૂલામાંનાં અર્ધબળેલાં લાકડાં પાણી નાંખી બુઝાવી દીધાં હતાં,
તે સવારે માત્ર બે-ત્રણ ફૂંકથી પાછાં સળગી ઊઠ્યાં.
આમ જોઈએ તો ...

'ઍક્વેરિયમ'માં પણ માછલીઓ જોડે
રમકડાંનો માછીમાર હતો.
આમ જોઈએ તો વાત બહું સામાન્ય હતી

પહેલા પ્રણયની વાત

ન સમજ ,ન ડહાપણ , ન હતો કોઇ સ્વાર્થનો પણ હાથ
ખૂબ જ સહજતાથી મિલાવી હતી એમણે મારી આંખમાં આંખ

ચહેરો હતો પીડાને દબાવેલો...
હા,પણ નહોતું રોગનું નિશાન !
આછા પ્રકાશમાં ચમકતું હતું ,એ મુગ્ધ પ્રેમીનું વાન.

દૂર હતાં પણ વધારે નજીક હતાં આમ
ખબર પડી ત્યારે ..
જ્યારે એમનાં સરી પડેલ પાલવ અડ્યાનું થયું મને ભાન.

સરળ શબ્દોમાં અથડાઈ મારાં દિલને
એ ઊછળતી ઊર્મિઓની વાત,
લાગ્યું તોડી રહ્યું છે કોઈક
આ પત્થરની જાન !

આંખમાં ઝીણાં સપના ને હતો મૂંગા શબ્દોનો સાથ...
બરાબર સમજી ગયો 'મેહુલ'
આ તો હતી ..પહેલાં પ્રણયની વાત !

Monday, November 20, 2006

હાઈકુ

ઊઠ્યો સૂરજ
પથારીમાંથી મોડો
રવિવાર ને !

ઝોકા મારતી
ઊંઘની ગોળીઓ ને
દર્દી જાગતો

વાદળ પીંછી
ચિતરાઈ ધરતી
લીલા વોશમાં

ડામર રોડે
ઢળી રાત વહેલી
બલ્બ - તારાઓ !

દિલ - ખેતરે
ઊર્મિ પવને હલે
લાગણી રોપાં

સૂરજ ડૂબ્યો
પીધું તેજ ધરાએ
થોડું મેં પણ !

હાઈકુ

આ આંખો મ્હારી
ને સપનાં તમારાં
બહુ અન્યાય !

દિલનાં આકાર

પૂછીશ ના મને કેવા સિતમ ગુજર્યા છે
તો'ય ભર બપોરે સળગતા કોલસા સહેલાઈથી ઠાર્યા છે.

તમારું નક્કી ક્યાં હતું ? ક્યારે કેવી રીતે આવશો?
એ જ વિચારે રાત-દિવસ બારણાં ખુલ્લાં રાખ્યાં છે.

રોજ રોજ નીકળે છે કંઇક નવા જ અર્થો...
જરુર કરતાં વધારે વાર તમારા કાગળો વાંચ્યા છે.

તમારા વિચારો ઉપર હવે કાબૂ નથી રહ્યો..
ગમે ત્યારે આવીને એણે બધાંની વચ્ચે શરમમાં નાખ્યા છે.

નસેનસમાં વહેતો એ જુવાળ..
હવે મારી કલમ સુધી પહોંચ્યો છે,
કદીક કાગળ પર તો કદીક હથેળીમાં,
'મેહુલે' જ્યાં-ત્યાં દિલનાં આકાર પાડ્યાં છે.

ઉધાર છે થોડું બાકી !ઉધાર છે થોડું બાકી
આજે પણ મને યાદ છે.
૫૬ લખોટીઓને ૭ પીંચીઓ ,
૮ દુધિયા ને ૪ બંટાઓ,
૧૨ બચ્ચનનાં ને ૪ ડેનીનાં ફોટાઓ !

તેંય મને ક્યાં આપી'તી,
મારી ઘોચમણી પાછી?
ને બોલ, મારા ભેગા કરેલા
છરાઓની ડબ્બીક્યાં સંતાડી છે તેં ??

ને મારી પેલી ધોળી કૂતરીના,
બે ગલૂડિયાં , 'કાબરું' ને 'કાળિયું',
છાનોમાનો ચોરીને લઈ ગયેલો ને?

'મલ્લામાતા'ના ગબ્બરની ચીકણી માટી,
ને હોજ બનાવવા સિમેન્ટનાં પાઈપો
હું જ લાવ્યો'તો ને ...ને તું કેટલો લુચ્ચો ..
પ્રસાદની પેલી નારંગીની ગોળીઓ,
વીણી વીણી ને ખાઈ જતો'તો !

એ તો તુ મને બેટિંગ કરવા દે વધારે વાર્,
એટલે હું તને મારાં બાગમાંના 'કરેણ્'નાં ફૂલો તોડવાં દેતો'તો,
નહીતર મારા 'મોગરાં'ના ફૂલો મેં તને ક્યાં આપ્યા'તાં?

છેક આજે મને ખબર પડી ,
પેલા દિવસે રિસેસમાં તેં મને છેતર્યો'તો,
તારાં બટાકા-પૌંઆના બદલામાં,
તું મારાં બે ક્રિમવાળા બિસ્કિટ ખાઈ ગયો'તો !

અને મારી રંગીન સ્લેટ-પેનનો ટુકડો,
પ્રાર્થનામાં, મારી નજર ચૂકવી,
તેં તારાં દફતરમાં મૂકી દીધોતો'ને?

મારી પાસે લેશન ડાયરીમાં,
તારા પપ્પાની સહી કરાઈતી'નેપછી ..
તારા લીધે જ મારે...
પ્રિન્સિપાલનો માર ખાવો પડ્યો'તો...

તેં મને બહુજ છેતર્યો'તો ..બહુ જ..
છેલ્લી વખત આપણે સ્કુલમાં મળ્યા'તા,
ત્યારે'ય તું જુઠું જ બોલેલો ને..
ફરી મળીશું કહીને તું મારાથી દૂર ભાગી ગયો'તો,
કશુંક છુપાવીને તારી આંખમાં...

એ ઉધાર હજુ બાકી છે..
આજે પણ મને યાદ છે..!

હાઈકુ


છીછરાં પાણી
ને તરસ્યા કિનારા
નદી શું કરે?

Saturday, November 18, 2006

કલરફૂલ બર્ડ્સનાં પેઇંટીગ્સ કરતાં..જોયાં હતાં એ સપનાં દિવસો પહેલાં
એનાં સઘળા રંગ ઉતારી દીધાં,
મારાં બ્રશના વાળ અને પંખીઓનાં પીંછા
આજે તો એકમેકમાં નીતરતાં કરી દીધાં..

ઘણાં સમયથી શાંત આ રુમમાં
એકસાથે કેટલાં બધાં પંખીઓ ગુંજતા થઇ ગયાં,
હવે તો રાતનાં એ સપનાંઓમાં પણ
પડઘાં 'કલરવ' નાં સંભળાતાં થઇ ગયાં !

એલાર્મ ની હવે જરુર રહી નહીં....
ખબર ના પડી લોકોને,
આજકાલ કેમ 'મેહુલ' વહેલાં ઊઠતાં થઇ ગયા?

સૌથી પ્રિય છે જે રંગો મને ,
અનાયાસે આજે જીવંત થઇ ઊઠયાં
બસ કહો ને કે,
મારાં દિલનાં ધબકાર ને પંખીઓનો ફફડાટ
એકબીજાની સાથે તાલ મીલાવતાં થઇ ગયાં!

માત્ર થોડાંક જ દિવસોમાં કેટલાં પોતાનાં થઇ ગયાં
જુઓ ને સવારે 'મેહુલ' બહાર નીકળ્યો ત્યારે..
રુમ ખાલી જ હતો ને, પણ સાંજે આવીને જોયું તો,
કેટલાં બધાં માળા બંધાઈ ગયાં !!

હું 'ને ગામડું

શહેરની ગલીઓથી વિખૂટો થઈ ઊંડો શ્વાસ લેજે
હમણાં જ પડેલ ભીંજી ગયેલી
કાળી માટીની ફોરમ તારામાં ભળી જશે.
મૌન પાદરે બેસી થોડી વાર પોરો ખાજે
એ ગાડાની ઘૂઘરીઓ ..ને 'બુચકારા' સોમભ'ઈનાં
જરુર સંભળાઈ જશે.
અરે....ચાલતાં સંભાળજે જરા .. છાંણમાં પગ ન પડે...
નહીં તો એ લીંપેલા ઘરની દીવાલમાંનાં
આભલાં સાંભરી આવશે....!
પેલા પીપળાની નીચે આવેલી નાગબાપાની ગોખલીમાં
દીવો જરુર કરજે
હાથમાં દૂધની ચિકાશ ને સિંદૂરનો કલર ઊતરી આવશે.
ભીનાં લીલા ઘાસની ચાદરને સ્પર્શ કરજે
કંઇ કેટલાય ગાયોનાં ધણ
તારી નજર સામે ચરી જશે..
લલચાઇશ નહીં સહેજ પણ પેલાં આંબા ઉપર ઝૂલતી કાચી કેરીઓને જોઇને,
નહીં તો પેલાં આંબાની વાડી ફરતે વાવેલાં
ગાંડા બાવળનાં કાંટાઓ તને ઉઝરડાં પાડી જશે...!
સરખી કરીશ ના એ તુટેલી વાંસની બારીને 'મેહુલ'
નહીં તો ?
નહીં તો વરસો પહેલાં, તિરાડમાંથી જોતી,
પેલી બે નિર્દોષ આંખો તને ઘેરી લેશે.. !

હવે કદી નહીં.....

બા, હવે કદી નહીં માંગુ રોજ,
તારી પાસે દસ રુપિયા...
એ દાબેલીની લારી છોડી
હું ' બર્ગર કિંગ' ના વેલ પેક્ડ બર્ગર ખાતો થયો છું.

મમ્મી, હવે તને કદી ગુસ્સો નહીં આવે મારી ઉપર,
તારી સાડીનો છેડો છોડી
હું સ્મુધ ટીસ્યુ પેપરથી મોં લૂછતો થયો છું.

પપ્પા, હવે તમને પણ કદી ફરિયાદ નહીં રહે
મારી ભુલી જવાની આદતથી...
હવે હું i-Paq વાપરતો થયો છું.

ભાઈ, તને હવે કદી ડિસ્ટર્બ નહીં કરું મોટેથી વાંચીને
દૂર રહ્યે હું મનમાં જ બોલતાં
અને સમજતાં શીખતો થયો છું.

મિત્રો, હવે તમને કદી ખોટું નહીં લાગે મારી વાતોથી
વખત આવ્યે હું ' થેંક્યું' અને 'સોરી' ના મલ્હમ વાપરતો થયો છું.

પપ્પા-મમ્મી, હવે કદી નહીં મળે તમને તમારો 'મેહુ' ,
હવે હું ચહેરાં બદલતો થયો છું
હવે હું 'નકલી' થઈ ગયો છું
નહીં, હવે કદી નહીં મળે તમારો 'મેહુ' !

Monday, November 13, 2006

પ્રશ્ન

તમારા પ્રશ્નોનો ક્યાં અંત હોય છે?
અને જવાબની હજી તો મારી શરુઆત છે...

માન્યું કે પ્રેમ અદૃશ્ય હોય છે
ને કવિતા એની રજૂઆત છે..

એમની 'હા' નથી ને 'ના' પણ ક્યાં પાડે છે ?
આખરે આ કયા વેરની વસૂલાત છે.....

એ મૌન થઇને બેઠાં છે,
લાગે છે આ જ પ્રેમની કબૂલાત છે.

એમને માટે તો અમે 'ભૂતકાળ' છે
ક્યાંથી સમજાવું ? મારે માટે હજી પણ એ 'વર્તમાન' છે.

ઘણાં દૂર નીકળી ગયા ખબર નથી ક્યાં છે
ક્યારેક મળશો તો ચોક્કસ કહેશો ,
અરે 'મેહુલ'! હજી તું ત્યાંનો ત્યાં જ છે?

હાઈકુ

સૂકું એ થડ
સારસાં બેસવાથી
ભાસે છે લીલું

હાઈકુ

ચાળી તડકો
મારી આંખથી રચું
'મેઘધનુષ્ય'!

હાઈકુ

"પેરામેટા"ના
કિનારા બન્યા ધોળા
"સી-ગલ્સ" ટોળાં
(સીડની શહેરની નદી 'પેરામેટા' ... જેનાં કિનારે હું રહું છું ...! )

Sunday, November 12, 2006

ઈચ્છા

ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે?
હદ એની માત્ર, જમીનથી આભ છે..

ક્યારેક ખીલે છે, ક્યારેક મુરજાય છે,
આખરે દિલનાં ઓરડામાં જ પુરાય છે...

સાચું કે એ મારી છે
ફરક માત્ર એટલો કે
એ બીજા નામથી ઓળખાય છે.

દિવસભર તો એ લાકડાનું ઘર બંધાય છે
નહીં માનો તમે , રાત્રે એનું જ તાપણું થાય છે.

કીકીમાં મારી કાચનાં મહેલો કંડારાય છે,
રોજ ચોળું છું મારી આંખો
તૂટેલી કરચો ખૂંચાય છે.

ઈચ્છાઓને ક્યાં થોભ હોય છે,
આજ હોય છે ને કાલે બદલાય છે
"મેહુલ"ને કહો કે...
એ ખોટેખોટો હરખાય છે.