( દસ વર્ષો પહેલાં છોડેલા ( હકીકતે તરછોડાયેલા) બંધ પડેલા બંગલા 'યશોધર' ના બાગનો પરિચય, જ્યાં મેં મારું બાળપણ સંતાડેલું છે )
કાટ ખાઇ ગયેલો મેઇન ગેટ ખોલતાં જ પહેલી નજર,
બાજુમાં વાવેલી 'મોગન વેલ'ના મુળિયાએ તોડેલી દિવાલ ઉપર પડી,
'ગૅટ' ના બે 'પીલર્સ'માં મુકેલા 'ભુંગળા'માંથી..
ખિસકોલીના બચ્ચાંનો અવાજ આવતો હતો,
ત્યાં જ કૂદી પેલી 'પેંધી' પડેલી બિલાડી ... અને એ અવાજ શાંત થઇ ગયો...
પગ-લૂછણિયાંની કિનારો તોડવામાં ઘણાં બધાનો હાથ હતો એ હું જાણતો હતો,
ખાસ તો ખિસકોલી, કૂતરાં અને ચકલીઓ...
બહુ ધીરજથી મેં અને રાહુલે નાંખેલી ત્રિકોણાકાર ક્યારાની ઇંટો ,
હવે સીધી લાઇનમાં નથી રહી, મોટા ભાગની ઉખડી ગઇ છે...
કમ્પાઉંડમાં પડી રહેતાં મારાં 'લ્યુના'ના મિરરના ડાઘની પાછળનું રહસ્ય...?
હા... સવારનાં પો'રમાં આવતી પેલી રાખોડી કાબરો જ'સ્તો !
લીમડાનાં થડમાંથી બહાર આવતું ગુંદર મેં કેટલાંય વર્ષોથી ભેગું નથી કર્યું
અને બે લીમડા વચ્ચે બાંધેલા કપડાનાં તારને પણ
પેલા 'પોપટિયા' પાનાં વડે 'ટાઇટ' કરવાનાં હજુ બાકી છે !
અને જો'તો રાહુલ, બેનનાં ઘરેથી લાવેલા પેલાં ગલબા, 'પીળી પટ્ટી', કેક્ટસ અને કેના
હજી'ય એવા ને એવા જ તરસ્યા છે...
'કેના' ની પાછળ લપાઇને ઝોકા મારતાં પેલા ધોળિયા કૂતરાએ કરેલો ખાડો
હજીય પૂરાયો નથી..
'પીળી કરેણ' ઉપરથી ટપ દઇને પડતું , 'દૂધ' પાડતું 'ટીડોળું'
આજે પણ મારા પગ નીચે ચગદાયું ...
ક્યારેક એનો ઢગલો કરીને, લીમડાની ડાળીમાંથી બનાવેલા 'ગિલોલ'થી,
ઉનાળાના વેકેશનમાં બપોરે, છુપાઇને લોકોને મારવામાં 'ટાઇમ પાસ' થતો'તો .. હે..ને?
કોટે-કોટે જતી પાણીની પાઇપો ઉપર, કાટ ના લાગે એ માટે,
જાતે લગાડેલ લાલ કલર હજી ગયો નથી,
પણ.. પાઇપનાં નળ કોઇ ચોરી ગયું છે !
'કરપાયેલી' ટોટી હજી ઓરડીનાં ભંગારમાં પડી છે..
એની બાજુમાં જ માળી પાસે ખાસ મંગાવેલ છાણીયા ખાતરનો
ફાટી ગયેલો કોથળો પડ્યો છે...
આપણો વાવેલો 'દેશી' મોગરો હવે રહ્યો નથી.. હા..
'જુઇ' ના મૂળિયાં ઉધઇ સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે !
પેંડ્યુલા પણ હવે સપોર્ટ વિના ઉભા રહેતાં થઇ ગયા છે,
તેના થડને અડવાં જતાં, લાલ કીડીઓની ધાર મને વળગી પડી,
ક્યારેક એની ડાળીઓમાં, બુલબુલે મૂકેલા ઇંડા અને બચ્ચાને
કલાકો સુધી જોતાં'તા ! અને..હા કાગડા, બિલાડી ઉપર ખાસ નજર રાખતા'તા..
'પરદા વેલ' થોડાક દિવસો પહેલા કપાવી નાખી ..પપ્પાનું માનવું હતું'કે...
એ 'ખાલી' જંગલી ઝાડી હતી અને મચ્છર પણ બહું થતા હતાં..
મારું માંનવુ છે કે , એ 'યશોધર'ના વરંડાની શોભા હતી અને...
મારા ફેવરીટ 'બ્લુ બર્ડ'નું ઘર હતું ... !
પાછળની ચોકડીમાં લીલ બાઝી ગઇ છે અને પપ્પાની ના પડવા છતાં,
તેની બાજુમાં જ મેં વાવેલા ચંપાનું ઝાડ મોટું થઇ ગયું છે'ને એના મૂળિયાએ,
બિચારી ગટર ફરતે ભીંસ લઇ લીધી છે...
એના ઉપર આવેલા ફૂલો ને અડવા ગયો' પણ............
એક 'જંગલી કરોળિયા' એ બાંધેલા જાળામાં મારો હાથ લપેટાઇ ગયો ..
ત્યારે જ સૂકાયેલા પાંદડામાં, એક કાચિંડો ઝડપથી દોડી ગયો ...
હજી'તો ઘણં બધું શોધવાનું બાકી છે ,
પેલી મધુમાલતીના ક્યારાની નીચે સંતાડેલો કાચના ટુકડાનો ખજાનો,
ક્યારામાં જ ઘરઘત્તા રમતાં બનાવેલ હોજની સિમેંટની પાઇપો,
ચોમાસામાં ખોવાઇ ગયેલી મારી દૂધિયા લખોટીઓ,
ચોકડીની ઇંટો નીચે છૂપાયેલા અને મને હંમેશા ડરાવતાં
'ઝેરી' કાનખજૂરા, ચીકણી માટીમાંથી ઉભરાતાં અળસિયા.. બધું'જ...
અને હજી'તો મારે આખા દિવસમાં મોરે પાડેલા બધાં પીંછા
કંપાઉંડમાંથી ભેગા કરવાના છે ....
સાંજ પડવા આવી ... અનાયાસે .. મારા પગ પાણી છાંટવાની ટોટી
અને ચોકડી તરફ ઉપડ્યા..
અચાનક ભાન થયું , ન'તો ત્યાં નળ હતો, ના પાણી હતું !
માંડ મહેનતે એક વખત બાંધેલી, પાણીના વ્હેણ માટેની 'કોરી' પાળમાંથી,
એક સામટાં ફૂટી નીકળેલા જંગલી ઘાસ અને હા.. પેલા કપડા ઉપર
ચોંટી જાય'ને તે 'કૂતરા'ઓ...... બધા મારા ઉપર ખડખડાટ હસવા લાગ્યાં..... !
હું.. વરંડા ઉપર, 'મોટા અક્ષરે' લખેલ 'યશોધર' ને તાંકી રહ્યો ...
ડૂબતાં સૂરજમાં અક્ષરોનો રંગ ધીમે ધીમે 'પીળિયો' .. 'ફિક્કો' ..
અને સાથે જ હું પણ અશક્ત બનતો જતો હતો.......
Friday, December 01, 2006
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
બહુ જ ભાવવાહી. 'યશોધર' મારું ઘર નથી છતાં આંખ ભીની થઇ ગઇ. બે વર્ષ પર મારા જીવનના ત્રીસ વર્ષ વિતેલા- તે પોળના મકાનમાં ગયો હતો તે ક્ષણો યાદ આવી ગઇ.તે મકાન તો વેચાઇ ગયું અને બધા ભાઇ બહેન અલગ અલગ મકાનોમાં રહેતાં થઇ ગયા.પણ ત્યં ગયો ત્યારે કોઇક અવનવા ભાવ થતા હતા.
ગયેલી ક્ષણોને યાદ કરવી તે તો માનવ પ્રકૃતિ છે. પણ આ ક્ષણમાં જ જીવ્યા તો માનવ જન્મ સાર્થક.
વાહ મેહુલ.... ખુબ જ ભાવવાહી વર્ણન છે!
વાંચતા વાંચતા આંખ આગળ રીલ પસાર થઇ રહી હોય એવું લાગ્યું... ખુબ જ અસરકારક!
જે મકાન આપણને 'ઘર' જેવું લાગ્યું હોય તે મકાન ભાડાનું હોય કે પોતાનું હોય કોઇ ફર્ક પડતો નથી... વળી ક્યારેય છુટતું નથી- એ બાળપણ તો હંમેશા ત્યાં જ મળી આવતું હોય છે...
saras varanana ...yashodar ankha aagal aavi gayao ..........sunadar khare khar adbhut varanan
ખુબ ખુબ + ખુબ ઝીણવટભરી નજરે નિરીક્ષણ કરીને એટલાજ સરસ શબ્દોનો ઉપયોગ કરીને "જુનુ ઘર યાદ" કર્યુઁ છે.
ખુબ ખુબ અભિનંદન મેહુલ.
LAKHO ABHINANDAN !GHANU BARIKAAITHI
VARNAN KARELU CHHE.SHARUATMAA "BA"
NE SUNDAR ARGHYA APAAYO CHHE.ABHAR
wha mehulbhai wha
bahj sarash vrnan kariu che
Post a Comment